
પાલનપુર-ડીસા હાઇવે ઉપરથી પોષડોડા ભરેલી ટ્રક ઝડપાઇ. એસઓજી પોલીસે 90 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ કરી
રાજ્યમાં ડ્રગ્સ પકડાવાના સિલસીલા વચ્ચે પાલનપુર-ડીસા હાઈવે પરથી બનાસકાંઠા એસઓજી પોલીસે એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં પોષડોડા ઝડપી પાડયા હતા. ઝારખંડથી ટ્રકમાં પોષડોડા ભરી ગુજરાતમાં લઈ આવવામાં આવતા હતા. જેને એસઓજી પોલીસે ઝડપી પાડી અંદાજે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ડીસા-પાલનપુર હાઈવે પરથી બનાસકાંઠા એસઓજી પોલીસે ઝારખંડથી પોષડોડા લઈને આવતી ટ્રક ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે ટ્રક શંકાસ્પદ લાગતા હાઈવે ઉપર ટ્રક રોકાવી તપાસ કરતા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં પોષડોડા મળી આવતા એસ.ઓ.જી પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે તાત્કાલિક ટ્રક ચાલકને પકડી પાડી પોષડોડા સહીત કુલ 90 લાખનો મુદ્દામાલ હોવાનો એસ.ઓ.જી પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.